No title

જિંદગી આપણને એક લકઝરી આપે છે,
આપણી જાત સાથે રહેવાની.
પોતાના માટે પણ માણસે સમય કાઢવો જોઇએ,
હળવા રહેવા માટે એ અત્યંત જરુરી છે.
વાંચો, ‘ચિંતનની પળે’.
તું ક્યારેય તારી સાથે
હોય છે ખરો?
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
હું દર્પણમાં શબ્દો ઉતારી શકું તો,
મને એ રીતે હું પ્રસારી શકું તો,
સમયની મહત્તા ન રહેશે કશી પણ,
હું મારા વિશે કંઈ વિચારી શકું તો.
-મનોજ ખંડેરિયા
‘હું ક્યારેક મને જ શોધતો હોઉં છું. મને લાગે છે કે હું ક્યાંક ખોવાઈ ગયો છું. ટોળાંમાં હોઉં ત્યારે દોડીને ક્યાંક ભાગી જવાનું મન થાય છે. એવી જગ્યાએ જ્યાં હું મને મળી જાઉં. મારી પોતાની સાથે વાત કરું. મારી જાતને થોડીક પેમ્પર કરું. મારી ભૂલો શોધીને મને જ ઠપકો આપું. મારી વેદનાને શોધી મને જ સાંત્વન આપું. સારી બાબતોને શોધી મને જ થોડો વખાણું. આંખો બંધ રાખી મારો જ રસ્તો શોધું. મારી સંવેદનાને સાત્ત્વિક બનાવું. મારા હસવાના અવાજને માણું. કોઈને ખબર ન પડે એમ થોડોક રડી લઉં. થોડાંક સ્મરણોને તાજાં કરી લઉં. જ્યાંથી પસાર થઈ ગયો છું એ રસ્તે મારાં પગલાં હજુ અસ્તિત્વ ધરાવે છે કે નહીં એ જોઈ લઉં. મારે મારું વજૂદ તપાસવું છે. મને મારો જ અહેસાસ જોઈએ છે. મારે મારી હયાતિના હસ્તાક્ષર જોવા છે. મને ખબર પડવી જોઈએ કે હું છું. મારા હોવાનો કોઈ અર્થ છે.’ તમને ક્યારેય આવું થાય છે? તો તમે તમને શોધી લો.
આપણું હોવું આપણા માટે મહત્ત્વનું છે. હું છું. હું મને ફીલ કરું છું. મને મારા હોવાની પરવા છે. મને થોડુંક મારી સાથે પણ જીવવું છે. મને ગમે એવું થોડુંક કરવું છે. મારો સમય મારા માટે પણ હોવો જોઈએ. જરાક તપાસ કરો, તમને ક્યારે એવું લાગે છે કે તમે તમારી સાથે છો? કોઈ ગીત કે ગઝલ સાંભળતા હોવ ત્યારે? કંઈક વાંચતા હોવ ત્યારે? કોઈ પક્ષીનો ટહુકો સાંભળો છો ત્યારે? મુલાયમ હવા તમારા ચહેરા પર ટાઢક ફેલાવી જાય ત્યારે? દરિયાનાં મોજાંનો ધ્વનિ સાંભળો ત્યારે? તમારાં ટેરવાંને કૂંપળને સ્પર્શવાની તરસ જાગે છે? તમારી આંખોને કોઈ ગમતું દૃશ્ય જોવાની ઝંખના થાય છે? તમારા દિલને ક્યારેય તમારી ધડકન સાંભળવાનું જ મન થાય છે? તમારી કોઈ વાત તમને જ કહેવાનું મન થાય છે? તો કરો. બધું જ થઈ શકે. શરત માત્ર એટલી જ કે તમે તમારી સાથે હોવા જોઈએ.
એકલા રહેવાની થોડીક આદત પણ કેળવવી જોઈએ. એકાંત એટલે કોઈની ગેરહાજરી નહીં, માત્ર પોતાની હાજરી. ટોળાંમાં પણ માણસ એકલો હોઈ શકે. એકલા હોઈએ ત્યારે પણ કોઈથી ઘેરાયેલા હોઈ શકીએ. આપણા વિચારો ક્યાં ક્યારેય આપણા હોય છે? તમારા વિચારો પર તમારું આધિપત્ય છે? કોઈની સાથે હોવ ત્યારે તેની સાથે રહો, પણ તમારી સાથે હોવ ત્યારે તમારા જ રહો. આપણે તો કોઈની સાથે હોઈએ ત્યારે પણ ક્યાં એની સાથે હોઈએ છીએ?
એક પ્રેમીયુગલની વાત છે. પ્રેમિકા મળે ત્યારે એ ફોન લઈને બેસે. એના ફોટા પાડે. એની વાતો રેકોર્ડ કરે. તું નથી હોતી ત્યારે તને જોવા માટે, તને સાંભળવા માટે આ બધું કરું છું. પ્રેમિકાએ કહ્યું, તું પછીના સમય માટે અત્યારે આ બધું શા માટે કરે છે? અત્યારે મારી સાથે રહેને! હું તો તારા ચહેરાને મારી આંખોમાં ભરી લઉં છું. તારા સંવાદને ફીલ કરું છું. તારા સ્પર્શને માણું છું. તારી સાથે હોઉં ત્યારે જ તો મને લાગે છે કે હું મારી સાથે હોઉં છું. તું ક્યાં હોય છે? તું તારી સાથે નથી હોતો. મારી સાથે પણ નથી હોતો. તારા ફોન સાથે હોય છે. તને પછી મને જોવી હોય છેને? હું તો તારો ચહેરો એવો ફીલ કરું છું કે આંખો બંધ કરું ને તું તરવરી જાય. જરાક ખોવાઉં ત્યાં તારા સંવાદ યાદ આવે. મારે તને યાદ કરવા ફોનની જરૂર નથી, કારણ કે હું તારી સાથે હોઉં ત્યારે મને જ ફીલ કરું છું.
જિંદગીમાં ઘણી વખત એવી ઘટનાઓ બને છે જ્યારે આપણને એમ થાય કે આ ક્ષણ સદાયે જીવતી રહે. સમય થોડોક લંબાઈ જાય. સંવાદ થોડોક વિસ્તરી જાય. અસ્તિત્વ થોડુંક વધુ નિખરી જાય. જોકે, સમય તો એની ફિતરત મુજબ ક્યારેય ટકવાનો નથી, સરકી જવાનો છે. હા, તમે એને તમારા દિલમાં સંઘરી શકો. ફોટા કે ક્લિપમાં હશે અને ક્યારેક જોવાનું મન થશે તો ગેલેરીમાંથી એને શોધવા પડશે, દિલમાં હશે તો શોધવા નહીં પડે, તરત જ તાજા થઈ જશે, સપાટી પર આવી જશે. ગેલેરી એ તો ઘણી વખત યાદો અને સ્મરણોનું કબ્રસ્તાન બની જતું હોય છે. ભાગ્યે જ ક્યારેક ખૂલે છે. દિલ તો સદાયે ધબકતું હોય છે. કોઈ નામ સામે આવે અને યાદો તાજી થઈ જાય છે. સ્ક્રીન ક્યારેય ફીલ ન આપી શકે, ફીલ તો માત્ર ને માત્ર દિલ જ આપી શકે.
આપણી પાસે આપણી સંવેદના હોય છે. તેના માલિક માત્ર ને માત્ર આપણે હોઈએ છીએ. સંવેદનાઓ સળવળતી રહે છે. આપણને કંઈક કહેતી રહે છે. એને બસ, સાંભળવાની હોય છે. સંવેદના આપણને કહે છે, તને આ ગમે છે. તને આ નથી ગમતું. આવું થાય ત્યારે તારી આંખોના ખૂણા ભીના થાય છે. આવું થાય ત્યારે તારા દાંત કચકચે છે. આવું થાય ત્યારે તું થોડોક હચમચે છે. તને નથી ગમતું એવું તું નહીં કરને. તને ગમે એવું થોડુંક કંઈક કરને. આપણે એ વાત નથી સાંભળતા. નજરઅંદાજ કરીએ છીએ. આપણી પાસે સમય નથી. આપણો સમય જ આપણો નથી. શિડયુલ્સ છે, પણ સંવેદના ક્યાં? મુલાકાત છે, પણ મીઠાશ ક્યાં? એપોઇન્ટમેન્ટ છે, પણ અહેસાસ ક્યાં? ફંક્શન્સ છે, પણ ફીલિંગ ક્યાં? આપણે બહુ બીઝી થઈ ગયા છીએ. એટલા બધા બિઝી કે આપણી પાસે આપણને મળવાનો જ સમય નથી.
આપણે રજાની રાહ જોઈએ છીએ. રિલેક્સ થવું છે. હસવું છે. વ્યક્ત થવું છે. પોતાની વ્યક્તિની વાત સાંભળવી છે. કહેવાતું નથી. પ્રોફાઇલ પિક્ચર બદલતા રહીએ છીએ અને ચહેરો જરા પણ બદલતા નથી. સ્ટેટસ લખતા રહીએ છીએ અને મોઢામોઢ ક્યારેય કંઈ કહેતા નથી. જિંદગી જાણે સિમ્બોલિક બની ગઈ છે. આ સિમ્બોલ ક્યારેક ફૂલનાં ચિત્રથી, ક્યારેક પથ્થરના દૃશ્યની તો ક્યારેય દિલના પિક્ચરથી પ્રગટ કરીએ છીએ.
દિલની વાત કહેવા હવે આપણે ઇમોજીના મહોતાજ થઈ ગયા છીએ. બાયના ઇમોજીથી જુદાઈનો અહેસાસ ઝિલાતો હોય છે ખરો? ડાન્સિંગ ડોલનું ઇમોજી મૂકતી વખતે આપણું મન જરાયે મચલતું હોય છે ખરું? સ્ટેટસ હવે શબ્દોની રમત બની ગઈ છે. સ્ટેટસને સ્ટેટ ઓફ માઇન્ડ સાથે કેટલું લાગતુંવળગતું હોય છે? દિલનું નિશાન મૂકી દેવાથી દિલની લાગણી વ્યક્ત થઈ જતી હોય છે? રડવાનું ઇમોજી મૂકતી વખતે આંખ જરાયે ભીની હોય છે? તડપનું ઇમોજી બની શકે ખરું? સન્નાટાનું ઇમોજી કેવું હોય? શૂન્યાવકાશ કોઈ સિમ્બોલથી વ્યક્ત ન થાય. રાતને અંધકારથી આકાર આપી શકાય? ના. રાત પણ રંગીન હોઈ શકે અને દિવસ પણ ગમગીન હોઈ શકે. ઉજાસના તીક્ષ્ણ ખૂણાઓ પણ ક્યારેક વાગતા હોય છે. ટેરવાંમાં પણ તિરાડો પડતી હોય છે. આંખોમાં પણ દુકાળ પડતો હોય છે. શ્વાસમાં પણ ક્યારેક સન્નાટો સર્જાતો હોય છે. ડૂમો દેખાતો નથી, પણ ભરાઈ જતો હોય છે. શબ્દો પણ ક્યારેક તરડાઈ જતા હોય છે અને સંવેદનાઓ પણ ક્યારેક સંકોચાઈ જતી હોય છે.
ફીલ કરો. બદ્ધે બધું જ. દરેક ક્ષણ. સારી પણ અને નરસી પણ. તરસી હોય એવી પણ અને વરસી હોય એવી પણ. સંવેદના એટલે માત્ર સુખનો અહેસાસ જ નહીં, દુ:ખની અનુભૂતિ પણ, બ્લેકને પણ અને વ્હાઇટને પણ, કોલાહલને પણ અને સન્નાટાને પણ. આપણું હોવું અને આપણી સાથેનું તમામ અનુભવવું. જડ ન થવું હોય તો જીવતા રહો. માત્ર બહારનું જ નહીં, આપણી અંદરનું પણ ફીલ કરો. બહારની ફીલિંગ પણ તો જ આવશે જો આપણે અંદરથી ભરેલા હોઈશું. તમારી અંદર જે છે એને ખાલી ન થવા દો, એને ભરતા રહો. ભરેલા રહેવા માટે આપણે આપણી સાથે રહેવું પડે છે. તમે છેલ્લે ક્યારે તમારી સાથે રહ્યા હતા? તમને છેલ્લે ક્યારે તમારા વજૂદનો અહેસાસ થયો હતો? ન રહ્યા હોય કે અહેસાસ ન થયો હોય તો મોડું ન કરતાં. તમને મળતા રહો, જિંદગી તો તમને મળવા અાતુર જ હોય છે!
છેલ્લો સીન :
જે પોતાને ઓળખતો નથી એ બીજાને ઓળખવાના મામલે હંમેશાં ભ્રમમાં હોય છે.
સાભાર :- tixmotion
Previous Post Next Post